ઉમાશંકર જોશી નું જીવન કવન | Umashankar Joshi in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક ઉમાશંકર જોશીનું નામ તો આપ સૌએ સાંભળ્યુ જ હશે. તેમનો સમાવરે ગાંધી યુગના સર્વે શ્રેષ્ઠ કવિ અને લેખક તથા ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ જ્ઞાનપીઠ મેળવનાર સાહિત્યકારમાં થાય છે.

ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે ઇ.સ.૧૯૬૭માં  તેમને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીના વિચારોની ભારે અસર થઇ હતી. તેમણે ગુજરાતી સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.ચાલો આજે આપણે આવા મહાન સાહિત્યકાર ઉમાશંકર જોશીના જીવન અને કવન વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.

ઉમાશંકર જોશીનો જીવન પરિચય (umashankar joshi jivan parichay in gujarati):

નામઃઉમાશંકર જોશી
ઉપનામ (તખલ્લુસ)વાસુકિશ્રવણ
જન્મ તારીખઃ21 જુલાઇ 1911
જન્મ સ્થળઃબામણા, જિ.સાબરકાંઠા
પિતાનું નામઃજેઠાલાલ જોશી
માતાનું નામઃનવલબેન જોશી
પત્નીનું નામઃજ્યોત્સનાબેન 
સંતાનોઃનંદિની અને સ્વાતિ -બે પુત્રીઓ
વ્યવસાયઃકવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક
પુરસ્કારોઃરણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૩૯)
નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૪૩)
ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર (૧૯૬૩-૬૪-૬૫)
જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૬૭)
સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૩
મૃત્યુઃ19 ડીસેમ્બર 1988 (ઉંમર 77)
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત

ઉમાશંકર જોશીનું પ્રારંભિક જીવનઃ

ઉમાશંકર જોશીનો જન્મ ૨૧ જુલાઇ ૧૯૧૧ના રોજ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બામળા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ નવલબેન હતુ. તેમના માતા – પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમે હતા.  ૧૯૩૭માં ઉમાશંકર જોશીના લગ્ન જ્યોત્સનાબેન સાથે થયા હતા. જેનાથી તેમને નંદિની અને સ્વાતિ નામની બે પુત્રીઓ છે.

શિક્ષણઃ

તેમણે ચાર ધોરણ સુધીનો અભ્યાસ બામણામાં જ કર્યો. પરંતુ ત્યાં વધુ સગવડ ન હોવાથી તેઓ આગળના અભ્યાસ માટે ઇડર ગયાં. જયા તેમણે પન્નાલાલ પટેલ સાથે છાત્રાલયમાં રહીને સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કોલેજ, અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા.

ઇન્ટર આટર્સ વખતે તેમણે સત્યાગ્રહીની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧ના છેલ્લા છ મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં ભાગ લીધો.

તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયોમાં બી.એ. થયા અને ૧૯૩૮માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષય સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી એમ.એ. ઉત્તીર્ણ કર્યું. એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા હતા.

સાહિત્યકાર તરીકેની કારર્કિદીઃ

૧૯૩૬માં ચાલુ અભ્યાસ દરમિયાન જ તેઓ મુંબઈમાં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાબાદ ૧૯૩૮માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યુ

૧૯૩૯માં અમદાવાદમાં સ્થાઇ થયા. ૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક તરીકે ફરજો બજાવી. ૧૯૪૭માં ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. ૧૯૫૩ સુધી સ્વેચ્છાએ નિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા.

૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રોફેસર જોડાયા, જયા તેેેેમને ભાષાસાહિત્ય ભવનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળામાં જોડાયા. તેમણે ૧૯૫૭માં જાપાન અને ૧૯૬૧માં રશિયાનો પ્રવાસ કર્યો.

ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામડામાં જન્મેલા કવિ ઉમાશંકર જોશીએ ડુંગરિયાળ પ્રદેશની પ્રકૃતિ અને ગામડાઓનાં સામાજિક જીવન, મેળાઓ, ઉત્સવોમાંથી શબ્દસર્જનની પ્રેરણા મેળવી. મહાત્મા ગાંધીજીની સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાઈને તેમણે ઇતિહાસના વિશાળ ફલકની સમજ કેળવી.

વીસમી સદીના દેશના અને દુનિયાના પ્રશ્નો, સામાજિક અસમાનતાથી માંડીને અણુયુદ્ધ ના પડકારોને એક કલાકાર તરીકે ઝીલવાનો પ્રયત્ન કર્યો, વીસમી સદીમાં અનેકરૂપે પ્રગટ થયેલી હિંસાના કેન્દ્રમાં રહેલી મનુષ્ય માટેની નિસબત એ એમના સમગ્ર જીવન અને સર્જનની સામાન્ય વૈચારિક ભૂમિ રહી છે.

સમગ્ર જીવન દરમ્યાન તેમણે કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી નાટકો, નિબંધો, પ્રવાસ વર્ણનો, ચરિત્ર રેખાંકનો, વિવેચનનાં પુસ્તકો તેમજ શિક્ષણ, સમાજ, રાજકારણ, અને સમકાલીન બનાવો વિશે અસંખ્ય લેેેખો પ્રકાશિત કર્યા હતાં. લગભગ ચાર દાયકા (1947-1984) સુધી તેમણે ‘સંસ્કૃતિ’ સામયિકનું સંપાદન કર્યું હતુ.. પોતે સ્થાપેલા ગંગોત્રી ટ્રસ્ટના નેજા હેઠળ ભારતની તેમજ વિદેશી ભાષાઓની કૃતિઓના અનુવાદિત પુસ્તકો પણ પ્રકાશિત હતાં.

એક સાહિત્યકાર તરીકે ગુજરાતના તેમજ દેશના જાહેરજીવન સાથે અડધી સદીથી પણ વધારે સમય સુધી તેઓ સંકળાયેલા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક અને પછીથી કુલપતિ, વિશ્વભારતી યુનિવર્સિટીના કુલાધિપતિ, રાજ્યસભાના સભ્ય, સાહિત્ય અકાદમીના પ્રમુખ તેમજ દેશની સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની અનેક સંસ્થાઓના સભ્ય તરીકે તેમણે સેવાઓ આપી હતી.

ઉમાશંકર જોશીની કૃતિઓ

  • ૨૦ વર્ષની યુવાન વયે ઉમાશંકર જોશીનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘વિશ્વશાંતિ’ પ્રકાશિત થાય છે. આ કાવ્યમાં ઉમાશંકર જોશી વિશ્વશાંતિનો સંદેશ આપે છે.
  • મુખ્ય કૃતિ – નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા) – આ કાવ્યસંગગ્રહને ૧૯૬૮માં જ્ઞાનપીઠ પારિતોષિક આપવામાં આવ્યુ હતુ.
  • ગંગોત્રી, ’નિશીથ’, આતિથ્ય, વસંતવર્ષા, અભિજ્ઞા,સાતપદ, ધારાવસ્ત્ર એમના કાવ્ય સંગ્રહ છે. તેમજ પ્રાચીના અને મહાપ્રસ્થાન તેમના જાણીતા પદ્ય નાટકો છે. એમની તમામ કાવ્ય રચનાઓનો સંગ્રહ ‘સમગ્ર કવિતા’ નામે થયો છે.
  • ‘એક ચૂસાયેલો ગોટલો’ કાવ્યસંગ્રહમાં ઉમાશંકર જોશીની સ્વતંત્ર ઝંખના ઉત્કટ રૂપે વ્યક્ત થઈ છે. ‘ઘાણીનું ગીત’, ‘પહેરણનું ગીત’, ‘હથોડાનું ગીત’ જેવા કાવ્યોમાં ઉમાશંકર જોશીએ દલિતો, પીડિતોની વેદનાને ગાઇ છે.
  • ‘સાપના ભારા, શહીદ અને હવેલી’ ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહો છે.
  • પારકા જણ્યા (૧૯૪૦)  ઉમાશંકર જોશીની એકમાત્ર નવલકથા છે.
  • શ્રાવણી મેળો, ત્રણ અર્ધું બે, અંતરાય, વિસામો એમના વાર્તાસંગ્રહો છે, એમની વાર્તાઓ સંખ્યા ઓછી છે પરંતુ નિરૂપણની રીતિના કારણે ગાંધીયુગના અગ્રણી વાર્તાકારોમાં એમનું સ્થાન હંમેશા રહેલુ છે. ‘મારી ચંપાનો વર’ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ ભાત પાડતી ઉમાશંકર જોશીની વાર્તા છે. 
  • ‘ગોષ્ઠી અને ઉઘાડી બારી’ ઉમાશંકરના લલિત નિબંધ સંગ્રહો છે. આ નિબંધોમાં મહાત્મા ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરના જીવન દૃષ્ટિનો પ્રભાવ વર્તાય છે. કાકા સાહેબ કાલેલકર પછી લલિત નિબંધનું સ્વરૂપ ખેડનાર નિબંધકાર તરીકે ઉમાશંકર જોશીનું સ્થાન મહત્વનું બની રહે છેેે.
  • કવિતા પછી ઉમાશંકર જોશીનું બીજું મહત્વનું પ્રદાન એમના વિવેચનોનું અભ્યાસ લેખો અને સંશોધન લખાણો છે. પુરાણોમાં ગુજરાત ,અને ‘અખો’ એક અધ્યયન એ તેમના શ્રેષ્ઠ સંશોધન લેખ અને કવિની શ્રદ્ધા તથા અભિરુચિ એમના વિવચનો છે.
  • તેમણે આપેલા અનુવાદો માંં ‘ગુલે પોલાંડ’ (૧૯૩૯), ‘ઉત્તરરામચરિત’ (૧૯૫૦), ‘શાકુન્તલ’ (૧૯૫૫), ‘એકોત્તર શતી’ નો સમાવેશ થાય છે. તેમના અન્ય લેખનોમાં ઇશાવાસ્યોપનિષદ- ચિંતન લેખ, યુરોપયાત્રા (અંગ્રેજી)- પ્રવાસ લેખ તથા સો વરસનો થા જેવા બાળગીત નો પણ સમાવેશ થાય છે.
  • ‘પુરાણોમાં ગુજરાત’ (૧૯૪૬), ‘સમયરંગ’ (૧૯૬૩), ‘ઈશાન ભારત’ અને અંદામાનમાં ટહુક્યા મોર (૧૯૭૬), ‘ઓગણીસમો એકત્રીસમાં ડોકિયું’ (૧૯૭૭), ‘કેળવણીનો કીમિયો’ (૧૯૭૭) વગેરે એમના પ્રકીર્ણ ગ્રંથો છે.

ઉમાશંકર જોશીને મળેલ એવોર્ડ /પુરસ્કારોઃ

  • ૧૯૩૯ માં રણજિતરામ સુવર્ણચંદ્રક
  • ૧૯૪૭ માં નર્મદ સુવર્ણ ચંદ્રક 
  • ૧૯૬૩ માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક એનાયત કરવામાંં આવ્યો.
  • ૧૯૬૭માં નિશીથ કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. જ્ઞાનપીઠ એવોર્ડ મેળનાર તેઓ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર બન્યા.
  • ૧૯૭૩માં સોવિએત લેન્ડ નહેરૂ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
  • ૧૯૮૧માં વિશ્વ ગુર્જરીનો ગૌરવ પુરસ્કાર એનાયત થયો.

ઉમાશંકર જોશીએ ધારણ કરેલ સભ્યપદ/હોદ્દાઓ

  • ઇ.સ. ૧૯૬૫ માં નેશનલ બુક ટ્રસ્ટના સભ્ય બન્યા.
  • ઇ.સ. ૧૯૬૬ માં કેન્દ્રીય ભાષા સલાહકર સમિતિના સભ્ય બન્યા.
  • ૧૯૬૬થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બન્યા.
  • ઇ.સ. ૧૯૬૮ માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે નિયુકત થયા.
  • ૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાની ‘વિશ્વભારતી’ સંસ્થાના પણ કુલપતિ તરીકે નિયુકત થયા.
  • તેમની લેખન કલાને બરદાવી ૧૯૭૦-૭૬ દરમિયાન તેમની રાજ્યસભામાં સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા.
  • ઇ.સ. ૧૯૭૮ થી ૧૯૮૨ દરમિયાન સાહિત્ય અકાદમી એવોર્ડના પ્રમુખ પદે રહ્યા.
  • ઇ.સ. ૧૯૭૮ થી ૧૯૮૩ સુધી દિલ્હી સાહિત્ય અકાદમી ના પ્રમુખ પદે રહ્યા.

ઉમાશંકર જોશીની પ્રસિધ્ધ પંકતિઓઃ

  • વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
    માથે ધરું ધૂળ વસુંધરાની.
  • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
  • ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગીરા ગુજરાતી”
  • વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
    પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ.
  • સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
    મળી માતૃભાષા મને ગૂજરાતી.
  • ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું, મસ્તક હાથ,
    બહુ દઈ દીધું નાથ ! જા ચોથું નથી માંગવું.
  • મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
    ગુજરાત મોરી મોરી રે.

અવસાનઃ-

19 ડીસેમ્બર 1988 ના રોજ ૭૭ વર્ષની ઉંમરે મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે કેન્સરના રોગથી તેમનું અવસાન થયુ અને ગુજરાતી સાહિત્યનો હમેશા જગમગતો દિપ ઓલવાઇ ગયો.

ઉમાશંકર જોશી વિશે કેટલીક રસપ્રદ માહિતીઃ

  • ગુજરાતી સાહિત્યમાં ગાંધી યુગના શ્રેેેષ્ટ કવિઓમાં ઉમાશંકર જોશીનું નામ સુવણિમ અક્ષરે લખાયેલુ છે.
  • ઉમાશંકર જોશીએ વાસુકી ઉમનામથી વાર્તાઓ લખી છે.
  • ૨૦ વર્ષની મુગ્ધ વયે ઉમાશંકરનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘વિશ્વશાંતિ’ પ્રકાશિત થયો હતો.
  • તેઓ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર બન્યા હતા. જેમને ૧૯૬૭માં નિશિથ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોડથી નવાજવામાં આવ્યા હતા.
  • ઉમાશંકર જોશી વિશ્વશાંતિના કવિ તરીકે ઓળખવામાં આવે છે.
  • પ્રાચીના’માં કાવ્યસંગ્રહમાં ઉમાશંકર જોશીએ મહાભારત, ભાગવતકથા, વગેરેમાંથી વસ્તુ લઈને ‘સાત સંવાદ’ કાવ્યો લખ્યા છે.
  • તેમણે ૩૭ વર્ષ સુધી સંસ્કૃતિ નામનું માસિક ચલાવ્યુ હતુ.
  • ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ ઇડરમાં સાથે અભ્યાસ કરતા હતા.

આ પણ વાંચો:-

  1. રવિશંકર મહારાજનો જીવનપરિચય
  2. ઝવેરચંદ મેઘાણીનું જીવન કવન
  3. સંત તુકારામનું જીવનચરિત્ર
  4. નરસિંહ મહેતા વિશે માહિતી
  5. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 

આશા રાખુ છું કે આપને ઉમાશંકર જોશી નું જીવન કવન (Umashankar Joshi in Gujarati) વિશેનો લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment