ગુજરાતમાં જે સ્થાન નરસિંહ મહેતાનું છે. તેથીય વિશેષ સ્થાન મહારાષ્ટ્રમાં સંત તુકારામનું છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં ગાનારને જે આંતરિક આનંદ મળે છે. તેવો જ વિશેષ આનંદ સંત તુકારામના અભંગો ગાનારને મળે છે. તો ચાલો આજે આ૫ણે આવા મહાન સંત તુકારામનું જીવનચરિત્ર જાણીએ.
સંત તુકારામનું જીવનચરિત્ર (Sant tukaram information in Gujarati)
નામ : | તુકેબા(તુકારામ) |
જન્મ તારીખ : | ઇ.સ. 1598 અથવા 1608 |
જન્મ સ્થળ: | મહારાષ્ટ્રના પુના જિલ્લાના દેહુ ગામમાં |
૫િતાનું નામ : | બોલ્હોબા |
માતાનું નામ : | કનકાઇ |
૫ત્નું નામ : | પ્રથમ- રખુમાઇ બીજા-જિજાઇ |
વ્યવસાય :- | મરાઠી કવી, સંત, |
પ્રસિઘ્ઘ રચનાઓ: | અભંગા |
મૃત્યુ: | ઇ.સ. ૧૬૪૯-૫૦ |
સંત તુકારામનો જન્મ મહારાષ્ટ્રના પુના જિલ્લાના નાનકડા ગામ દેહુમાં થયો હતો. દેહુ ઇન્દ્રાણી નદીના કિનારે આવેલુ એક ખુબ રમણીય ગામ છે. સંત તુકારામ ભાગ્યશાળી પિતા બોલ્હોબા તથા માતા કનકાઇના પુત્ર હતા. તેમને કુલ ત્રણ પુત્રો હતા. સાવજી, તુકેબા(તુકારામ) અને કાન્હાબા.
સંત તુકારામના જન્મ સમયના મહારાષ્ટ્ર વિષે તુકારામનાં જ શિષ્યા બહિણાબાઈ કહે છે કે, “જ્ઞાનદેવે જેનો પાયો નાખ્યો, નામદેવે જેને ચોતરફ ફેલાવ્યો, એકનાથે જેના પર ધજા ફરકાવી એ ભાગવતધર્મના મંદિરનો કળશ સંત તુકારામ બન્યા.”
તુકારામના જીવનના શરૂઆતના તેર વર્ષ માતપિતાની સુખશીતળ છાયામાં ખૂબ આનંદથી પસાર થયાં. સમોવડીયા બાળમિત્રો સાથે રમવાનો તેમને ખૂબ જ શોખ હોય એવુ લાગે છે. કારણ કે, તેમણે શ્રીકૃષ્ણની અને તેમના સાથીઓની બાળલીલા ખૂબ ઉત્સાહથી અને કુશળતાથી વર્ણવી છે. ગેડીદડા, ગિલ્લીદંડા, લંગડી, આટાપાટા, ખો-ખો, મારદડી, આમલી-પીપળી વગેરે વિષે તેમના અભંગોમાં મન મુકીને વર્ણન કર્યુ છે. આ બધા પરથી લાગે છે કે બાળપણમાં તેઓ ખૂબ હોંશથી રમતમાં ભાગ લેનાર ઉત્સાહી ખેલાડી હોવા જોઈએ.
Must Read : કબીર સાહેબનું જીવન ચરિત્ર
સામાજિક રીતી-રિવાજ મુજબ બોલ્હોબાએ તેમના ત્રણેય પુત્રોનાં લગ્ન સમયસર કરી નાખ્યાં. તુકારામના પ્રથમ લગ્ન થયા ત્યારે તેમની ઉંમર માત્ર ૧૪ વર્ષની હતી. તેમની પ્રથમ ૫ત્નીનું નામ રખુમાઇ હતુ. ૫રંતુ તેઓ દમની બિમારીથી પીડાતા હોવાથી તુકારામના માતા-પિતાએ તેમને બીજીવાર ૫રણાવ્યા. બીજી ૫ત્નીનું નામ જિજાઇ હતુ.
બઘા પુત્રોનું લગ્ન થઇ ગયા એટલે તુકારામના માતા-પિતાએ ઘરની સમગ્ર જવાબદારી મોટા દિકરા સાવજીને સોપી જવાબદારી માંથી મુકત થવાની ઇચ્છા દર્શાવી. ૫રંતુ સાવજીએ જાત્રા કરી માનવદેહના કલ્યાણનો નિર્ણય ૫હેલાંથી જ લઇ લિઘેલ હોય માતાપિતાની આ ઇચ્છાને ફગાવી દીઘી. જેથી ઘરની તમામ જવાબદારીઓની ઘુસરી તુકારામના ખભે આવી ગઇ.
તુકેબાએ તેર-ચૌદ વર્ષની કિશોર વયે ગળે પડેલી આ સંસાર-ધૂંસરી સ્વીકારી લીધી. હિસાબ-કિતાબ, ખેતી અને જાગીર, દુકાનની વ્યવસ્થા વગેરે બધાં કામો ધીમે ધીમે શીખી લઈને કુશળતાપૂર્વક ચલાવ્યાં. આમ શુક જાતિમાં જન્મ્યા છતાં ધંધે વેપારી એવા પિતાને આ પુત્ર ખૂબ હોશિયાર, કુશળ, મહેનતુ અને પ્રામાણિક છે એવું બધા કહેવા લાગ્યા. સંત તુકારામે ચોપડા તપાસીને બધી મૂડી પહેલી જાણી લીધી.
પિતાએ ઉપદેશ આપ્યો કે, “જાતે લેવડદેવડ કરવી અને નફા નુકસાનનું ધ્યાન રાખવાથી જ છેવટે આપણું હિત થાય છે.” પોતે એનું બરોબર પાલન કરશે એવી તુકોબાએ ખાતરી પણ આપી દીધી ! તુકોબા આવું બોલી તો ગયા, પણ તેમના અંતરઆત્માને તો “સંસારમાં જે કંઈ લાભ છે તે શ્રીહરિ છે અને અશાશ્વત એવો ધનસંચય નુકસાન છે. આ લાભ-નુકસાન ધ્યાનમાં રાખીને શ્રી હરિપદ રૂપી પરમ લાભ પ્રાપ્ત કરી લે” એવો ઉપદેશ કોઈક અદશ્ય શક્તિએ ૫હેલાંથી જ આપી દીધો હતો.
આમ ચાર વર્ષ સંસાર સારી રીતે ચલાવીને તુકોબાએ લોકો પાસે વાહવાહ કહેવડાવી. પણ ભગવાનની ઇચ્છા તુકાબાને સંસારરૂપી બંધનમાંથી મુક્ત કરીને લોકોનો ઉદ્ધાર કરવાના કામમાં પરોવવાની હતી, એટલે તેમની ઉપર એક પછી એક એવાં કારમાં સંકટો નાખ્યાં અને સંસાર માટે રચાતા સ્નેહબંધની પાળ તોડી નાખી. તુકોબા સત્તર વરસના થયા ત્યાં તેમના પિતાનું અવસાન થયું, મોટા ભાઈ સાવજની પત્ની પણ મોતના મોંમાં ઝડપાઈ ગઈ. આથી તેમને ખૂબ દુખ થયું અને શોકમાં ગરકાવ થઈ ગયા. બીજે વરસે મોટાભાઇ સાવજ પણ જાત્રા કરવા નિકળી ગયા.
પિતાનું અવસાન અને મોટા ભાઈનું ચાલ્યા જવું તેમને અસહ્ય થઈ પડ્યાં. સંસારમાં એમનું ધ્યાન ખૂબ ઓછું થઈ ગયું. તેમની આ ઉદાસીનતાનો ફાયદો લેણદારોએ લીધો. જેમને પૈસા ધીરેલા એ બધાંએ દેવાળાં કાઢચાં એટલે એ પૈસા તો જતા રહ્યા. આમ બાપીકી મિલકત હતી-નહતી થઈ ગઈ. બે પત્ની, એક બાળક, નાનો ભાઈ બહેન વગેરે કુટુંબને પોષવા પૈસા તો મેળવવા જ પડે. એટલે તુકારામે ચૌટામાં ૫રચૂરણ ચીજોની એક દુકાન ખોલી.
મોંએ વિઠ્ઠલ–વિઠ્ઠલ” બોલ્યા કરવું, જૂઠું બોલવું નહિ, દગાબાજીનો વેપાર કરવો નહિ, બધા પર દયા રાખીને છૂટે હાથે માલ આ૫વો અને ધંધાની ચિંતા ન કરવી. એસંત તુકારામ રીતે ચાર વરસ નીકળી ગયાં. પણ આવી નીતિને કારણે દુકાનમાંથી ચાર પૈસા મળવાને બદલે એ ખોટમાં ચાલીને બંધ થઈ ગઇ.
ટાઢ, તડકો, ઊંઘ કે આળસને ગણકાર્યા વિના રાત-દિવસ દુકાનમાં વિતાવે છતાંય પૈસે ન મળે. ઊલટાનું દેવું વધવા લાગ્યું. લેણદારો ઘરમાં પેસીને ચીજ-વસ્તુઓ પણ લઈ ગયા. દેવાળું કાઢવાનો વખત આવ્યું. સંસારનો આ તડકો તુકોબા ઉપર સવાર થઈ બેઠો. ઘરમાં પત્નીનો કકળાટ અને બહાર લેણદારોના તકાદાને લીધે તેમની સ્વસ્થતા હરાઈ ગઈ. મન કકળી ઊઠ્યું. જે કરે એ બધું જ ઊંધું થવા લાગ્યું.
એક વખત રાતે બળદ ઉપર અનાજ લાદીને આવતી વખતે એક આખી ગુણ રસ્તામાં પડી ગઈ. ઘરમાંનાં ચાર ઢોરમાંથી ત્રણ કોઈ રોગથી અકસ્માત મરી ગયાં. જે પ્રસંગ ટાળવા માટે એ મથતા એ જ આવી પડ્યો. તેમનું દેવાળું નીકળ્યું. પછી તે ગામ આખું તેમની પાછળ પડયું. “તું વિઠોબાનું નામ ઉચ્ચારે છે તેનું જ આ ફળ” એમ કહીને બધાં તેમને ચીડવવા લાગ્યાં. કોઈ તેમના સામું જોતું પણ નહિ. ઉછીનું કે ઉધાર કોઇ તેમને આપતું જ નહિ.
ત્યાર પછી એકવાર તુકારામે ખૂબ હિંમત ભેગી કરીને મરચાં વેચાતાં લીધાં અને કેળાઓ ભરીને એક દિવસ કંકણ તરફ ગયા. ત્યાં પણ તેમના ભોળપણને લીધે લુચ્ચાઓએ લૂંટી લીધા અને પૈસા ડુબ્યા. ભગવાનની દયાથી થોડા પૈસા વસૂલ થયા. એ લઈને પાછા ઘરે ૫રત ફરતી વખતે રસ્તામાં એક ધુતારાએ પિત્તળનું ઢોળ ચડાવેલું કડું સેનાનું કહીને તુકારામને વેચ્યું અને રૂપિયા લઈ લીઘા. ઘરે આવ્યા ૫છી એવી ખબર પડી, કે કડુ સોનાનું નહીં ૫ણ પિતળનું છે એટલે લોકોએ તેમને ફજેત કર્યા; અને પત્નીએ તો તેમને બરાબર ઉઘડે લીધા. આ રીતે પૈસાને બદલે લેકનિંદા મળી.
આમ બનવા છતાં વધુ એક વાર જિજાઈએ પિતાને નામે બસો રૂપિયા લાવીને તુકેબાને આપ્યા. તુકેબા એનું મીઠું ખરીદીને દૂર દેશાવર લઈ ગયા અને બસોના અઢીસો કર્યો. પણ પાછા વળતી વખતે રસ્તામાં ગરીબીને લીધે નંખાઈ ગયેલો એક બ્રાહ્મણ મળ્યો અને મદદ માટે ખૂબ કાકલૂદીઓ કરવા લાગ્યો. એટલે તુકારામને મનમાં દયા આવવાથી તેમણે બધા રૂપિયા તેને આપી દીધા. ઘેર આવતાંની સાથે જ જિજાઈએ તેમની બરાબર ખબર લઈ નાખી.
એવામાં આખા પૂના જિલ્લામાં ખુબ ભયંકર દુષ્કાળ પડ્યો. લોકો ધાન વિના ઢોર ટપોટપ મરવા લાગ્યાં. અનાજ વિના મોટી અને લાડકી પત્ની મરી ગઈ એ વાતથી તેમને ભારે દુખ થયું. પત્નીની પાછળ પાછળ તેમને પહેલો અને લાડકો પુત્ર સંતોબા પણ મરી ગયો. માતા પણ મરી પરવાર્યા,
આમ દુઃખની અવધિ ન રહી. પિતાના અવસાન પછીનાં ચાર-પાંચ વરસમાં તે તુકારામનો સંસાર છિન્નભિન્ન થઈ ગયો. ઢોર-ઢાંખર, પત્ની, પુત્ર, આબરૂ–એ બધાંને સાથે ગુમાવવાથી તુકારામ પર જાણે દુઃખનો ડુંગર તૂટી પડ્યો. એમનું અંતઃકરણ કકળી ઊઠયું. દેહ ગામમાં રહેવા પગ ના પાડતો હતો.
તુકેબા ઉપર આટલાં બધાં દુઃખ આવી પડ્યાં અને દુકાળમાં હજારો માણસને ટપોટપ મરતાં તેમણે જોયાં ત્યારે મૃત્યુલોકની રીત સમજાઈ અને તેમના મનમાં વૈરાગ્ય પેદા થયો. આ ભવસાગરમાંથી પાંડુરંગ સિવાય કોઈ તારનાર નથી એવો તેમને નિશ્ચય થયો. માતા-પિતા અને પત્ની-પુત્ર મરી ગયાં ત્યારે પણ આ ધીર પુરુષે
વિઠો ! તારું-મારું રાજ, નહિ બીજા કો”નું કાજ.”
ગાઈને ભજન–સુખનો સંતોષ માન્યો. દેવાળું નીકળ્યું, દુકાળે કાળો કેર વર્તાવ્યો, પત્ની કર્કશા મળી, અપમાન થયું, પૈસે અને ઢોર-ઢાંખર ગયાં એટલે લોકલાજ છોડીને તેઓ ભગવાનને શરણે ગયા અને તેમણે ૫ણ નરસિંહ મેહતાની જેમ જ કહ્યું કે આ બધું “સારું થયું, કારણ કે “સંસાર વમન (ઊલટી) થઈને નીકળી ગયો અને તારું જ ચિતન રહી ગયું.”
વૈરાગ્ય સાથે તદાકાર થવા માટે તેમણે એકાંત સેવ્યું. ભામનાથના ડુંગર ઉપર તે પહેલી વાર ગયા અને ત્યાં પંદર દિવસ રહ્યા. ભગવાનના ધ્યાન અને નામના જાપમાં એ બધો સમય તેમણે વિતાવ્યો.
”પંદરમે દિને મને થયે સાક્ષાત્કાર,
વિઠોબા ભેટી પડ્યા મને નિરાકાર.”
આ અભંગમાં તુકેબા કહે છેઃ “આ ભામગિરિ ઉપર બેસીને મેં ભગવાનનું ધ્યાન ધરવાનું શરૂ કર્યું. સાપ, વીંછી જેવાએ શરીરને ચટકા ભર્યા તેની વેદના થવા લાગી, પણ શરીર વિહીનતાનો થોડો અનુભવ થયો એટલે પંદરમે દિવસે વિઠોબાને સાક્ષાત્કાર મને થયો.”
આમ સંસારનો અનુભવ લઇ, તેની અસારતા જાઇ લઇ સંત તુકારામ. ૫રમારથનો માર્ગ ૫કડયો.
સંત તુકારામ કઈ ભાષાના કવિ હતા?
મરાઠી ભાષા
સંત તુકારામની રચનાઓ કયા નામે ઓળખાય છે?
અભંગ
સંત તુકારામે લોકોને શું સંદેશ આપ્યો?
સંત તુકારામે લોકોને દયા, ક્ષમા અને મનની શાંતિના ગુણો વિશે ઉપદેશ આપ્યો. તેમણે લોકોને સમાનતાનો સંદેશ પણ આપ્યો.
આ ૫ણ વાંચો:-
- કબીર સાહેબનું જીવન ચરિત્ર
- લાલા લાજપતરાય નું જીવનચરિત્ર
- સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ
- ભગતસિંહ નું જીવન ચરિત્ર
- સરદાર વલ્લભભાઇ ૫ટેલ નું જીવનચરિત્ર
હુ આશા રાખુ છુ કે તમને અમારો સંત તુકારામનું જીવનચરિત્ર (sant tukaram nu jivan charitra in gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.