ગંગાસતીનું જીવનચરિત્ર | Gangasati History in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

સૌરાષ્ટ્રની ભૂમિ એ સતી, સંત અને શૂરવીરોની ભૂમિ છે. આ ભૂમિ પર આવા અનેક મહાત્માઓ થઈ ગયા છે. આમાંના જ એક એટલે ગંગાસતી. ગંગાસતી એ સંત, સતી અને શૂરવીર ત્રણેયનું સંગમ હતાં. ઉજ્જવળ ચારિત્ર્યવાન પવિત્ર સ્ત્રી એટલે સતી, પ્રભુભક્તિની વેલી પ્રગટાવી તેનો વિસ્તાર કરનાર સંત અને ધ્યેયસિદ્ધિ માટે ફના થનાર શૂરવીર એટલે ગંગાસતી. એમણે રચેલ ઉત્કૃષ્ટ ભજનોને કારણે તેઓ સૌરાષ્ટ્રનાં મીરાંબાઈ તરીકે ઓળખાય છે. તો ચાલો આજે આ૫ણે આવા મહાન કવિયત્રી ગંગાસતી વિશે વિગતે માહિતી મેળવીએ.

ગંગાસતીનો જીવન૫રિચય (Gangasati in Gujarati)

પુરુ નામ :-ગંગાબાઇ ફહળુભા ગોહિલ
ઉ૫ નામસોરઠનાં મીરાંબાઇ
જન્મ તારીખ :- 1846
જન્મ સ્થળ :-રાજપરા – પાલીતાણા
પિતાનું નામ :-ભાઇજી જેસાજી સરવૈયા
માતાનું નામ :-રૂપાળીબા
૫તિનું નામ :-હળસંગ કલભા ગોહિલ (કહળુભા)
સંતાનો :-એક પુત્ર – અજોભા અને પૂત્રવધુ પાનબાઇ
વ્યવસાય :- કવિયત્રી
મૃત્યુ1894

ગંગાસતીનો જન્મ:-

તેઓ એક રાજપરિવારમાં જન્મ્યાં હતાં. તેમનો જન્મ ભાવનગર જિલ્લાનાં પાલિતાણા તાલુકાનાં રાજપરા ગામમાં ઈ. સ. 1846માં થયો હતો. તેમનાં પિતાનું નામ શ્રીભાઈજી જેસાજી સરવૈયા અને માતાનું નામ રૂપાળીબા હતું. ગંગાસતીનું નામ ગંગાબા હતું. ગંગાસતીનું પ્રાથમિક શિક્ષણ પણ અહીંની શાળામાં જ થયું હતું. પ્રાથમિક શિક્ષણથી વધુ તેઓ ભણ્યા નહોતાં. ગંગાસતી ભક્તિ આંદોલનના મધ્યકાલિન કવિયત્રી હતા, જેમણે ગુજરાતીમાં સંખ્યાબંધ ભજનો રચ્યા હતા. 

Must Read : શ્રી રંગ અવધૂત મહારાજ

લગ્ન:-

ઈ. સ  1864માં ગંગાબાના લગ્ન ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામનાં રાજપૂત ગિરાસદાર શ્રી કહળસંગ ગોહિલ સાથે થયા હતા. તે સમયે રાજપૂતોમાં રિવાજ હતો કે નવોઢાની સાથે તેની એક સેવિકા મોકલવામાં આવે. પિતાનાં પૂછવા પર ગંગાબાએ પાનબાઈનું નામ લીધું હતું. આથી પાનબાઈને ગંગાબા સાથે સેવિકા તરીકે મોકલવામાં આવ્યાં. પાનબાઈ એ ગંગાસતીની સેવિકા, સખી અને શિષ્યા હતાં.

અધ્યાત્મ માર્ગ:-

ગંગાસતીની જેમ જ તેમનાં પતિ કહળસંગ પણ એક અધ્યાત્મિક જીવ જ હતા. પતિ પત્ની બંનેનાં ગુરુ ગિરનારના સિદ્ધ સંત શ્રી રામેતવન હતા. આ દંપતીને બે પુત્રીઓ હતી – બાઈરાજબા અને હરિબા.

ગંગાસતી અને તેમનાં પતિની અધ્યાત્મિક જીવનની સુવાસ ચારે બાજુ ફેલાવવા લાગી હતી. તેમની પાસે અનેક સંતો, ભક્તો, ગૃહસ્થ જીવો અને દીનદુઃખીયા આવવા માંડ્યાં હતાં. ગંગાસતી અને કહળસંગ અત્યંત ધાર્મિક હતા અને તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર બન્યું. આવનારા લોકો અને સાધુઓ માટે તે નાનું પડતા તેઓ ખેતરમાં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા અને સત્સંગ ત્યાં ચાલુ રાખ્યો. તેમને આ કાર્યમાં તેમની સેવિકા એવાં પાનબાઈએ પણ ભરપૂર સાથ આપ્યો હતો, કારણ કે તેઓ પણ ભક્તિનાં રંગે રંગાઈ ચૂક્યાં હતાં.

આ ત્રણેયનો અધ્યાત્મિક સેવાયજ્ઞ ચાલુ હતો, એવામાં એક વાર ત્યાં એક હરિજન સાધુ નામે ભૂધરદાસજી પધાર્યા અને તેમની સાથે ત્યાં જ રહેવા લાગ્યા. આ સાધુના આગમન પછી તો આ ત્રિપુટી દ્વારા એમની વાડીની ઝૂંપડીએ અધ્યાત્મની જાણે ગંગા વહેવા લાગી! ભૂધરદાસજી ખૂબ સારા ભજનિક હતા. ગંગાસતીનાં ભજનોને લિપિબદ્ધ કરવાનું કાર્ય તેમણે જ કર્યું છે. તેઓએ જ ગંગાસતીને પ્રાચિન સંતવાણીનો ખ્યાલ આપ્યો હતો.

એક અણધારી ઘટના:- 

કહળસંગ પોતાની સિદ્ધિઓનો ઉપયોગ ખોટી બાબતમાં કરવા માંગતા નહોતા. પરંતુ એક વખત એવું બને છે કે ગામનાં એક ખેડૂત જીવાભાઈની ગાય સાપનાં દંશથી મરી જાય છે. આથી ખેડૂત અને તેની સાથે કેટલાંક અન્ય ગ્રામજનો ગાયને દાટી દેવા માટે ગામને સીમાડે જઈ રહ્યા હોય છે. એ સમયે રસ્તામાં કહળસંગ દેખાય છે. આ લોકોમાં કેટલાંક કહળસંગનાં વિરોધીઓ પણ હોય છે. આથી કહળસંગની પરીક્ષા લેવા તેઓ ખેડૂતને ઉશ્કેરે છે. ખેડૂતને તેની ગાય કહળસંગ પાસે સજીવન કરાવવા માટે કહે છે. 

Must Read : ગુરુ નાનક

અહીં કહળસંગની પરીક્ષા હતી. તેમણે મન ન્હોતું માનતું છતાં પણ લોકોનો તેમનાં પરથી વિશ્વાસ ઉઠી ન જાય એટલાં માટે પોતાનાં કમંડળમાંથી પાણીની અંજલિ લઈ ગાય પર છાંટી. ગાય સજીવન થઈ ગઈ. આ ઘટના આખાય ગામમાં ફેલાઈ ગઈ. 

કહળસંગનો દેહત્યાગ:-

ગાય તો સજીવન થઈ ગઈ, પરંતુ કહળસંગ પોતાની સિદ્ધિનો આવો ઉપયોગ ક્યારેય ઈચ્છતા નહોતા. આથી તેમણે સમાધિ લેવાનું નક્કી કર્યું. તેઓ સ્વેચ્છાએ પોતાનો દેહ ત્યાગ કરવા તૈયાર થયા. તેમની સાથે પતિવ્રતા નારી એવાં ગંગાસતીએ પણ સમાધિ લેવાની ઈચ્છા વ્યકત કરી. પરંતુ કહળસંગે તેમને આમ કરતાં રોક્યા. તેમણે એમને યાદ અપાવ્યું કે પાનબાઈમાં અધ્યાત્મ સંચાર કરવું અને એમને શિક્ષા આપવી એ એમની ફરજ છે.

આથી પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી રોકાઈ જવાની આજ્ઞા કરી. ગંગાસતીએ પતિનાં આ શબ્દો માથે ચઢાવી એનું પાલન કર્યું. કહળસંગે દેહત્યાગ કર્યા બાદ ગંગાસતીએ પાનબાઈનું શિક્ષણ શરુ કર્યું. કહળસંગે વિક્રમ સંવત 1950નાં પોષ મહિનાની પૂનમે સમાધિ દ્વારા દેહત્યાગ કર્યો.

ગંગાસતીનાં ભજનો:-

પાનબાઈને શિક્ષણ આપવા માટે ગંગાસતીએ જે પાઠ સમજાવ્યા તે જ ગંગાસતીનાં ભજનો! ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને પાનબાઈને સંભળાવતા તેમજ સમજાવતાં. એમનો આ ક્રમ બાવન દિવસ સુધી ચાલ્યો. બાવન દિવસ પછી પાનબાઈનાં અધ્યાત્મશિક્ષણનો કાર્યક્રમ પૂરો થયો. 

ગંગાસતી અને પાનબાઈનો દેહત્યાગ:-

પાનબાઈનાં શિક્ષણ પછી ત્રેપનમા દિવસે એટલે કે વિક્રમ સંવત 1950નાં ફાગણ સુદ આઠમનાં રોજ ગંગાસતીએ સમાધિ લઈ દેહત્યાગ કર્યો. કહળસંગ અને ગંગાસતી સંગ પોતાની જીંદગી જીવનાર પાનબાઈ પણ વધુ સમય પોતાની જાતને રોકી ન શક્યાં અને ગંગાસતીની સમાધિ લીધાંનાં ત્રણ દિવસ પછી ચોથા દિવસે પાનબાઈએ પણ સમાધિ લઈ દેહત્યાગ કર્યો. 

જગતને સંદેશ:-

આ ત્રિપુટીનો એકસાથે દેહત્યાગ એટલે કે ઈચ્છામૃત્યુ તેમની વચ્ચે ભક્તિની એકનિષ્ઠા દર્શાવે છે. આ ત્રણેય જણાં જગતને સંદેશ આપતાં ગયાં કે અધ્યાત્મને માર્ગે ચાલવા માટે સંસારનો ત્યાગ કરવો જરુરી નથી. સંસારમાં રહીને પણ પ્રભુભક્તિ કરી જ શકાય છે.

Must Read : ગુરુ તેગ બહાદુરનું જીવનચરિત્ર

ગંગાસતીએ માત્ર બાવન ભજનો રચ્યાં છે. પરંતુ આ એક એક ભજન સાહિત્યની દ્રષ્ટિએ ઉપનિષદનાં એકએક પ્રકરણ સમાન છે. તેમનાં ભજનસંગ્રહને ‘લોકોપનિષદ’ તરીકે ઓળખવામાં આવે છે. આ ભજનો પાનબાઈને અધ્યાત્મિક શિક્ષણ આપવા માટે રચાયા હોવાથી તેમાં અધ્યાત્મનું શાસ્ત્ર અને અધ્યાત્મનો પથ અભિવ્યક્ત થયાં છે. માત્ર આટલાં ભજનોમાં અને આટલાં થોડાં શબ્દોમાં અધ્યાત્મનો પથ સચોટરૂપે વ્યકત કરીને ગંગાસતીએ ચમત્કાર કર્યો છે. 

ભજનોમાં વપરાયેલ અધ્યાત્મ:-

(૧) બુદ્ધિયોગ (૨) ગુરૂશરણ (૩) અભીપ્સા (૪) ફનાગીરી (૫) અભયભાવ (૬) ગુરુની આધીનતા (૭) અધ્યાત્મને અનુરૂપ જીવનપદ્ધતિ   (૮) ભક્તિયોગ (૯) વચન વિવેક (૧૦) યોગ (૧૧) સાત્વિક આહારવિહાર (૧૨) જ્ઞાનયોગ

ગંગાસતીએ પાનબાઈને સમજાવેલ બાબતો:-

  1. મૂર્ખ માણસને ઉપદેશ ન આપવો. કુપાત્રને આધ્યાત્મિક ઉપદેશ આપવો નહીં.
  2. એક વર્ષ સુધી અધિકારીપણું જોવું અને સુપાત્ર લાગે તો જ આધ્યાત્મિક ઉપદેશ આપવો.
  3. પ્રારંભમાં શિષ્યને ભક્તિ બતાવવી.
  4. જેનો શિષ્ય તરીકે સ્વીકાર કરીએ તેનાં પર ખૂબ હેત રાખવું.
  5. અવિવેકી અને લંપટ ગુરુથી દૂર રહેવું.
  6. કુસંગથી વિમુખ અને સત્સંગ પ્રત્યે અભિમુખ રહેવું.
  7. આત્મપ્રાપ્તિ પછી પણ સાધકે અધ્યાત્મસાધન છોડવું નહીં.
  8. અધ્યાત્મ અને વ્યવહાર, બંનેમાં રુડી રીત પાળવી.

Must Read : વાલ્મિકી ઋષિ 

ગંગાસતીનાં ભજનો:- 

  1. સતગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ ! મેલી દેજો અંતરનું માન…
  2. મન સ્થિર કરીને તમે આવો રે મેદાનમાં ને, મિટાવું સરવે કલેશ રે …
  3. ભક્તિ કરવી એણે રાંક થઈને રહેવું ને, મેલવું અંતરનું અભિમાન રે ..
  4. ભગતી હરિની પદમણી પ્રેમદા પાનબાઈ ! રહે છે હરિની જોને પાસ..
  5. લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં, ત્યાં લગી ભગતી નૈ થાય ..
  6. નવધા ભક્તિમાં નિરમળ રહેવું ને, રાખવો વચનુંમાં વિશ્વાસ રે
  7. મેરૂ તો ડગે પણ જેનાં મનડાં ડગે નૈં ને, મરને ભાંગી પડે ભરમાંડ રે..
  8. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહિ વ્રતમાન રે..
  9. ભગતિ રૂપી મણિ લેજો હાથમાં રે, માયા રૂપી વનનો ભે મટી જાય..
  10. પ્રેમલક્ષણા ભક્તિ જેનામાં પ્રકટી તેને, કરવું પડે નહિ કાંઈ રે ..
  11. કાળધર્મ સ્વભાવને જીતવો ને, રાખવો નહિ અંતરમાં ક્રોધ રે..
  12. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહિ ને, ન રહેવું ભેદવાદીની સાથ રે
  13. લાભ લેવો હોય તો બેસો એકાંતમાં, બતાવું કૂંચી અપાર રે
  14. પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે રે, ત્યારે સાધના સર્વે શમી જાય
  15. જુગતી તમે તો જાણી લેજો પાનબાઈ ! મેળવો વચનનો એક તાર
  16. વચન વિવેકી જે નરનારી પાનબાઈ ! તેને બ્રહ્માદિક લાગે પાય
  17. અચળ વચન કોઈ દિ’ ચળે નહિ, તે તો અહોનિશ ગાળે ભલે વનમાં
  18. સાનમાં સાન એક ગુરુજીની કહું રે, જેથી ઉપજે આનંદના ઓઘ રે
  19. આદિ અનાદિ વચન છે પરિપૂરણ, વચનથી અધિક નથી કાંઈ રે
  20. મેદાનમાં જેણે મોરચો માંડયો ને, જેણે પકડયો વચનનો વિશ્વાસ રે
  21. મનવરતી જેની સદાયે નિર્મળી રે, તે પડે નહિ ભવસાગરની માંય રે
  22. યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો ને, આદરો તમે અભ્યાસ રે
  23. સરળ ચિત્ત રાખી નિરમળ રહેવું ને, આણવું નહિ અંતરમાં અભિમાન રે
  24. ધ્યાન ને ધારણા કાયમ રાખવી ને, કાયમ કરવો અભ્યાસ રે
  25. રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ, મેલી દઈ આ લોકની મરજાદ
  26. ઝીલવો હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ ! પછી પસ્તાવો થાશે
  27. વીજળીને ચમકારે મોતીડું પરોવો પાનબાઈ ! અચાનક અંધારાં થાશે
  28. માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ ! હવે આવી ચૂકયો પિયાલો
  29. પરિપૂરણ સતસંગ હવે તમને કરાવું ને, આપું જોને નિરમળ જ્ઞાન રે
  30. ગુપત રસ આ તો જાણી લે જો પાનબાઈ ! જેથી જાણવું રહે નહિ કાંય
  31. છૂટાં છૂટાં તીર હવે મારો મા બાઈજી ! અમથી સહ્યાં નવ જાય
  32. વચન સુણીને બેઠાં એકાંતમાં ને, સુરતા લગાડી ત્રિકુટિમાંય રે
  33. મન મરિયું તેને ત્યાગી કહીએ રે, મરને વરતે વહેવાર માંય રે
  34. પદ્માવતીનો જયદેવ સ્વામી પાનબાઈ ! એનો પરિપૂરણ કહું ઈતિહાસ
  35. પૃથુરાજ ચાલ્યા સ્વધામ જ્યારે, ત્યારે સનકાદિક આવ્યા તેને દ્વાર રે
  36. એકાગ્ર ચિત્ત કરીને સાંભળો રે, મોટો કહું ઈતિહાસ રે
  37. મોહજીત રાજા મહાવિવેકી રે, જેની બુદ્ધિ છે અગમ અપાર રે
  38. સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે, સમજવી સદ્દગુરુની સાન
  39. આ ઈતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે, ત્યારે લાગ્યાં સતીને પાયરે.
  40. પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ ! પિયાલો આવ્યો છે તત્કાળ
  41. વીણવો હોય તો રસ વીણી લેજો, હવે આવ્યો છે બરાબર વખત
  42. ચક્ષુ બદલાણી ને સુવાંતું રે વરસી રે, ફળી ગઈ પૂરવની એને પ્રીત રે
  43. હેઠાં ઉતરીને પાયે લાગ્યાં ને, ઘણો કીધો છે ઉપકાર રે
  44. જીવ અને શિવની થઈ ગઈ એકતા ને, પછી કહેવું રહ્યું નથી કાંઈ રે
  45. વિવેક રાખી તમે સમજીને ચાલજો ને, વસતું રાખજો ગુપત રે
  46. વસ્તુ વિચારીને દિજીએ રે, જો જો તમે સદપાત્ર રે
  47. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને, સમજીને રહીએ ચૂપ રે
  48. અંતઃકરણથી પૂજાવાની આશા રાખે ને, એને કેમ લાગે હરિનો સંગ રે
  49. દળીદળીને ઢાંકણીમાં ઉધરાવવું રે, એવું કરવું નહિ કામ રે
  50. સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું રે, એ ચારે વાણી થકી પાર રે
  51. સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે, રાખજો રૂડી રીત રે
  52. કળજુગ આવ્યો હવે કારમો રે, તમે સુણજો નર ને નાર

સોરઠના મીરાં તરીકે ઘર-ઘરમાં ગવાતાં, સ્મરણ થતાં ગંગા સતીના જીવનકાળ અંગે વિવિધ મતાંતરો પ્રવર્તે છે. તેમના જન્મ અને મૃત્યુ વર્ષ અંગે પણ એકમતી નથી. જોકે તેમનું પ્રદાન એટલું વિશિષ્ટ અને પ્રભાવશાળી છે કે જ્યાં સુધી અને જ્યાં પણ ગુજરાતીપણું જીવશે ત્યાં સુધી ગંગાસતીના ભજનો ગવાતાં રહેશે. 

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

આ ૫ણ વાંચો:-

  1. નરસિંહ મહેતા નું જીવનચરિત્ર
  2. સંત તુકારામનું જીવનચરિત્ર
  3. ભગવાન પરશુરામનું જીવનચરિત્ર
  4. દુર્વાસા ઋષિ નું જીવનચરિત્ર

હું આશા રાખું છું કે તમને અમારો ગંગાસતીનો જીવન૫રિચય વિશેનો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યક્તિઓનાં જીવન વિશે રોચક માહિતી એમનાં જીવનચરિત્રો દ્વારા અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

3 thoughts on “ગંગાસતીનું જીવનચરિત્ર | Gangasati History in Gujarati”

  1. સુંદર માહિતી છે હવે હું સૌરાષ્ટ્ર દર્શને જઈશ ત્યારે આ સ્થળ ઉપર જરૂર જઈશ.
    પીયૂષ શાહ

Leave a Comment