Advertisements

જો મનુષ્ય અમર હોત તો નિબંધ | Gujarati Essay on What if Humans were Immortal

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now
Advertisements

“જો મનુષ્ય અમર હોત તો (What if Humans were Immortal ) આ વિષય ૫ર અનેક વખત ૫રીક્ષાઓમાં નિબંધ લેખનનો પ્રશ્ન પુછાતો હોય છે. અહી અમે તમારા આ પ્રશ્નના નિરાકરણ સ્વરૂપે જો મનુષ્ય અમર હોત તો.. વિષય ૫ર સુંદર નિબંધ રજુ કરીએ છીએ. આશા રાખુ છુ તે તમને ખૂબ જ ઉ૫યોગી બનશે.

જો મનુષ્ય અમર હોત તો નિબંધ (Gujarati Essay on What if Humans were Immortal)

૧. પ્રસ્તાવના

“જો મનુષ્ય અમર હોત, તો મનુષ્ય મનુષ્ય ન હોત…!” – વાક્ય થોડું અટપટું છે, પરંતુ આખો લેખ વાંચ્યા પછી ચોક્કસ તેનો મર્મ સમજાઈ જશે, અને વાક્ય પણ સરળ બની જશે. તો ચાલો એવા એક વિચારની સફરે જઇએ કે….”જો મનુષ્ય અમર હોત તો…!” (What if Humans were Immortal )

આ સંસારમાં કોઈ પણ જીવ અમર નથી. જે આવ્યું છે, તેને એક દિવસ ચોક્કસ જવાનું છે. માણસ જન્મે છે, તો તેનું મૃત્યુ નિશ્ચિત છે. જેમ ફૂલ ખીલે છે, અને કરમાય છે. તેવી જ રીતે જે મનુષ્ય જન્મ્યો છે, તેનું આ દુનિયામાંથી જવું નક્કી છે. તો હવે સવાલ એ ઊભો થાય કે, “જો મનુષ્ય અમર હોત તો ?”…… (What if Humans were Immortal )

૨. મૃત્યુ અને અમરત્વની સરખામણી :

અમરત્વ વિશે ચર્ચા કરવી હોય તો પ્રથમ તેના વિરોધાભાસી એટલે કે મૃત્યુ વિશે જાણવું જરૂરી છે. જો વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તો જ તેની જિંદગીમાં મજા છે. મનુષ્યની જીંદગી તો જ જીવવા લાયક છે. આપણને ખબર પડે કે એક મહિના પછી આપણું મૃત્યુ નક્કી છે તો ! તે એક મહિનામાં આપણે કેટલું બધું કરવાનો પ્રયત્ન કરીએ. કેટ કેટલા સગા વ્હાલાને મળીએ, કેટલી બધી જગ્યાએ ફરીએ, મનગમતા ભોજન જમીએ. ટુંકમાં આપણી દરેક ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન આપણે કરીએ.

Must Read: માતૃપ્રેમ નિબંધ

જો મનુષ્ય અમર હોત તો આમાંની કોઈ ઈચ્છા આપણને રહે ખરા ? જરા વિચારવા જેવી બાબત છે. જેનો અંત છે, તેને સાચવવાની લ્હાય છે. જો અંત જ ન હોત, તો કોઈ ચિંતા જ ન હોત, કોઈ ઉતાવળ ન હોત, કોઈ ઈચ્છા ન હોત. એમ લાગતું કે આજે કોઈ કામ ન થયું તો કંઈ નહિ, કાલે કરીશું, આજે કોઈને ન મળી શકાયું, તો ફરી કોઈ દિવસ મળી લઈશું, કારણ ? કેમ કે દરેક મનુષ્ય અમર છે. જેને આજે ન મળી શક્યા તે ક્યાં જવાના ? એટલે જો મનુષ્ય અમર હોત તો તેની જીંદગી અત્યારે છે તેવી રસમય અને જીવવા જેવી ન હોત.

ભલે લોકો અમરત્વ પાછળ ગાંડા હોય, વૈજ્ઞાનિકો તેના માટે સંશોધનો કરતા હોય, પરંતુ વ્યક્તિગત રીતે મારું માનવું તો એમ જ છે, કે મૃત્યુ છે, તો જિંદગીમાં ઇચ્છાઓ છે, આશા છે, ઈશ્વર પરની શ્રધ્ધા છે. નહિ તો કોઈ ઈશ્વર ને પણ શું કામ માને ? અત્યારે આપણે ઘણીવાર જોઈએ છીએ કે ઘરમાં કોઈ વ્યક્તિ સહેજ બીમાર પડે કે તરત જ બાધા કે માનતા રાખી દેવાની. આ વહેમ કે અંધશ્રદ્ધા નહીં, પરંતુ આપણી આપણા ઈશ્વર પ્રત્યેની આસ્થા છે. જો મનુષ્ય અમર હોત તો આવી આસ્થાનું કોઈ સ્થાન જ ન હોત.

૩. વડીલો અને યુવાનોના મતભેદ :

જો મનુષ્ય અમર હોત તો ક્યારેય કોઈ મૃત્યુ ન પામતું. જેના કારણે દરેક ઘરમાં વડીલોની સંખ્યા ખૂબ જ વધી જતી. દરેક વડીલ માણસ પોતાની જ ગૌરવગાથા ગાતો અને નવી પેઢીને પોતાના વિચારોની સ્વતંત્રતા ક્યારેય ન મળતી. પરિણામ સ્વરૂપ નવા સંશોધનો અને નવી ટેકનોલોજી ક્યારેય અસ્તિત્વમાં ન આવી હોત.

૪. વૃદ્ધાવસ્થાની તકલીફો :

જો મનુષ્ય અમર હોત તો પૃથ્વી પર વસ્તી એટલી વધી જતી કે જેની કોઈ સીમા નથી. વૃદ્ધોનું જીવન વધુ યતનાભર્યું થઈ જતું. અત્યારે સામાન્ય મનુષ્યમાં જો ૭૦ – ૭૫ વર્ષે પણ કોઈ લાંબા ગાળાની બીમારી થાય તો આપણે એમ કહીએ છીએ કે ભગવાન હવે બોલાવી લે તો સારું, આ યાતના – આ પીડા માંથી છુટકારો મળે. જો અમર હોત, તો આવો કોઈ રસ્તો ન હોત અને રોગ તેમજ બીમારી તો ત્યારે પણ હોત. તો કલ્પના કરી જુઓ તે સમયની પરિસ્થિતિ કેવી હોત ? કેટલું પીડાદાયક હોત મનુષ્યનું જીવન.

૫. પ્રાથમિક જરૂરિયાતોની તંગદિલી :

જો મનુષ્ય અમર હોત તો વસ્તી વધારાની સમસ્યા પ્રાથમિક સમસ્યા હોત, જેનો કોઈ પણ દેશ પાસે કોઈ ઉપાય ન હોત. મનુષ્યએ જમીન સિવાય પણ વસવાટના સ્થાન શોધવા પડતા. મનુષ્ય માટે પ્રાથમિક જરૂરિયાત જેમ કે રોટી, કપડાં અને મકાનની પણ તંગદિલી સર્જાતી. જેના પરિણામ સ્વરૂપ અરાજકતા અને ગુનાખોરી વધી જતી. દુકાળ જેવી પરિસ્થિતિ સામાન્ય થઈ જતી અને મનુષ્ય જીવન અનેક યાતનાઓથી ભરેલું થઈ જતું.

Must Read: વસ્તી વધારો નિબંધ

જો મનુષ્ય અમર હોત તો જેની જોડે ટેલેન્ટ છે, તે ક્યારેય નવોદિત કલાકારોને અપનાવી ન શકત. જે જૂના અને પીઢ કલાકારો છે, તે પોતાનું સ્થાન છોડત નહી, અને નવા કલાકારને પ્લેટફોર્મ મળત નહિ. પરિણામ સ્વરૂપ આજે પણ આપણે રોક કે જેઝ મ્યુઝિકની બદલે એ જ ઓલ્ડ કલાસિકલ મ્યુઝિક સાંભળવું પડતું. કોઈવ્યકિત નવા વિચારોને, નવા આઇડિયાને પ્રોત્સાહન ન આપતા. વડીલો યુવાનો ના વિચારો સાથે સહમત ન થતા, પરિણામે વિવાદો સર્જાતા અને ખૂબ મોટો જનરેશન ગેપ જોવા મળતો.

અમરત્વની આશા રાખનાર મનુષ્ય જો ખરેખર અમર હોત તો વૃદ્ધો, અશક્ત, બીમાર તેમજ ગરીબ વ્યક્તિ માટે તે વરદાન નહિ પરંતુ અભિશાપ બની જાત. કોઈ કોઈની મદદ ન કરતું, ડોકટરની કોઈ જરૂરિયાત ન રહેતી. મૃત્યુનો ભય ન હોવાના કારણે નાનો અને દુર્બળ માણસ પણ ઝઘડાખોર બની જતો. ચારે બાજુ અરાજકતા ફેલાઈ જાત, ક્યાંય શાંતિનું વાતાવરણ ન જોવા મળત અને કોઈ કોઈની મદદ ન કરતું.

૬. ઉપસંહાર :

જો મનુષ્ય અમર હોત તો ના કોઈ શોકસભા હોતી, ના કોઈ મૃત્યુનો મલાજો સાચવતાં. ન કોઈ બેસણાં હોત કે ન કોઈ પ્રશસ્તિ ગીત ગવાતા. દેશભક્તિનાં ગીતો પણ ન ગવાતા અને દેશભક્તો ની કુરબાની ની કથાઓ પણ ન કહેવાતી. સ્મશાન તેમજ કફન શું હોય, તેની કોઈને પણ સમજ ન હોત. ભક્તિભાવ કોઈનામાં જોવા ન મળત, પરિણામે ઈશ્વરની હયાતી પર પણ લોકો સવાલ ઊભા કરી દેત.

ખરેખર પ્રભુની લીલા અપરંપાર છે. તેણે જે જગનું અને તેને અનુરૂપ જીવસૃષ્ટિનું સર્જન કર્યું છે, તે ચોક્કસપણે યોગ્ય જ હશે, પરંતુ આપણા જેવા પામર માનવી માટે ક્યારેક તે સમજવું મુશ્કેલ થઈ જાય છે. હવે આપણે જ વિચારવું રહ્યું કે અમરત્વ પામવાની ઝંખના એ ખરેખર વરદાન છે કે પછી અભિશાપ ???

  • લેખક:- “નિષ્પક્ષ” (પુષ્પક ગોસ્વામી), ઈન્સ્ટાગ્રામ : nishpaksh3109

Must Read :મારી શાળા નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો જો મનુષ્ય અમર હોત તો નિબંધ (Gujarati Essay on What if Humans were Immortal)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી નિબંધ, ગુજરાતી વ્યાકરણ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment