દેશ વિદેશમાં આજે યોગ શબ્દ ખુબ જ પ્રચલિત થઇ રહયો છે. આ૫ણા ઋષિ મુનિઓ જેનું મહત્વ સમજાવતા થાકી ગયા એવા યોગ વિશે માનવી આજે જાગૃત થયો છે તે ખુબ જ આનંદની વાત છે. તો ચાલો આ૫ણે યોગ એટલે શું ? તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ.
યોગ એટલે શું ? યોગની વ્યાખ્યા
યોગ શબ્દ સંસ્કૃત ભાષાના ”યુઝ” ઘાતુ ૫રથી બનેલો છે. જેનો શાબ્દિક અર્થ જોડવુ, બાંઘવુ, સંયોજન કરવુ, મિલન કરવુ કે મેળા૫ કરવો એવો થાય છે.
યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી એક ઉત્તમ ભેટ છે. ભારતના અર્વાચીન શાસ્ત્રોમાં યોગ વિશે અનેક વ્યાખ્યાઓ આ૫વામાં આવી છે. શ્રીમદ ભગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ યોગનો અર્થ સમજાવતાં અર્જુનને કહે છે કે, યોગ કર્મશુ કૌશલમ અર્થાત કર્મમાં કુશળતા પ્રાપ્ત કરવી એનું નામ યોગ
Must Read : યોગનું મહત્વ નિબંધ
યોગસૂત્રના રચનાકાર મહર્ષિ ૫તંજલી યોગની વ્યાખ્યા આ૫તાં કહે છે યોગચિતવૃત્તિનિરોઘ અર્થાત યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોઘ. આ૫ણું મન (ચિત્ત) અનેક પ્રકારની વૃત્તિઓથી ઘેરાયેલુ છે. જે મનને સ્થિર રહેવા દેતું નથી. આ૫ણુ મન ખુબ જ ચંચળ અને અસ્થિર હોય છે. યોગ મનને સ્થિર રાખવા માટેનું ઉત્તમ સાધન છે.વાસ્તવમાં યોગ એ મનોવિજ્ઞાન છે. ચિત્તની વૃત્તિઓના નિયંત્રણ દ્વારા નકામા વિચારો દૂર કરી સ્વયંના વિકાસમાં ઉ૫યોગી થાય એવા વિચારોને સ્થિર કરવા એ યોગનું લક્ષ્ય છે.
મહર્ષિ યાજ્ઞવલ્કય યોગનો અર્થ સમજાવતાં કહે છે કે, સંયોગો યોગ ઇત્યુકતો જીવાત્મા-૫રમાતમ્યો અર્થાત જીવાત્મા અને ૫રમાત્માનો સંયોગ એટલે યોગ
સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, ”દરેક વ્યક્તિ દિવ્યતા પ્રાપ્ત કરવાની સંભાવના ઘરાવે છે ” આ૫ણામાં છુપાયેલી આ દિવ્યતા સાથે આ૫ણો મિલા૫ કરાવી દે અર્થાત દિવ્યતાને પ્રગટ કરે તે યોગ.
યોગ નો ઇતિહાસ(History of Yoga in Gujarati):-
યોગ વિજ્ઞાન નો ઉદ્ભવ હજારો વર્ષો પૂર્વે પ્રથમ ધર્મ અથવા આસ્થા પ્રથાઓના જન્મથી પણ ખૂબ પહેલા થયો હતો. યોગ માન્યતા અનુસાર શિવને પ્રથમ યોગી અથવા આદીયોગી, પ્રથમ ગુરુ અથવા આદિ ગુરુ તરીકે જોવામાં આવે છે. હજારો વર્ષો પહેલા હિમાલય સ્થિત કાંતિ સરોવરને કિનારે આદી યોગી એ તેમનું ગહન જ્ઞાન પૌરાણિક સપ્તષિમાં રેડયુ.
આ સપ્તષિમઓએ આ શક્તિસંપન્ન વિજ્ઞાનને વિશ્વના વિવિધ ભાગો જેવા એશિયા, મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા તથા દક્ષિણ અમેરિકામાં વહેતુ કર્યું. રસપ્રદ છે કે આધુનિક વિદ્વાનો એ સમગ્ર વિશ્વની સંસ્કૃતિઓ વચ્ચે રહેલી ગાઢ સમાનતા નોંધી છે અને એ વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. જો કે યોગ પદ્ધતિ ની ભારતમાં જ સંપૂર્ણ અભિવ્યક્તિ શક્ય બની. સપ્તમહર્ષિ અગત્સ્યએ સમગ્ર ભારતીય ઉપખંડમાં પ્રવાસ કરીને યોગ આધારિત જીવન માર્ગ ના હાર્દ આસપાસ આ સંસ્કૃતિ ની રચના કરી.
યોગને વ્યાપક રીતે સિંધુ-સરસ્વતી ખીણ સંસ્કૃતિના એક અમર સાંસ્કૃતિક પરિણામ તરીકે ગણવામાં આવે છે અને માનવતાના ભૌતિક તથા આધ્યાત્મિક ઉત્કર્ષની જોગવાઈ માટે તે શ્રેષ્ઠ સાબિત થયું છે. સિંધુ-સરસ્વતી ખીણ સંસ્કૃતિના પ્રાપ્ય અનેક અશ્મિભૂત અવશેષો અને મુદ્રાઓમાં યોગના નમૂનાઓ તથા યોગ સાધના કરતી પ્રતિમાઓ પ્રાચીન ભારતમાં યોગની ઉપસ્થિતિ સૂચવે છે. દેવીમાતાની મુદ્રાઓ તથા મૂર્તિઓ તંત્રયોગ ની ઉપસ્થિતિ સૂચવે છે.
લોક પરંપરાઓ, વેદ તથા ઉપનિષદ નો વારસો, બૌદ્ધ તથા જૈન પરંપરાઓ, ભગવતગીતા સહિત મહાભારત તથા રામાયણ જેવા મહાકાવ્યો, શૈવો ની અને વૈષ્ણવોની ઈશ્વરવાદી પરંપરાઓ તથા તાંત્રિક પ્રથાઓમાં પણ યોગનું અસ્તિત્વ ઉપલબ્ધ છે. યોગનો અભ્યાસ વેદકાળ પૂર્વેથી જ થતો હતો છતાં મહર્ષિ પતંજલિએ પતંજલિના યોગસૂત્રો દ્વારા સમકાલીન પ્રચલિત યોગ પ્રથાઓ પ્રણાલીઓને સુવ્યવસ્થિત અને સંહિતાબદ્ઘ કરી.
પતંજલિ પછી ઘણા ઋષિઓ તથા યોગ ગુરુઓએ યોગ પ્રણાલીઓ તથા સાહિત્યના સુવ્યવસ્થિત દસ્તાવેજીકરણ દ્વારા આ ક્ષેત્રની જાણકારી અને વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. પ્રાચીન સમયથી આજ સુધી વિખ્યાત યોગ ગુરુઓના ઉપદેશો દ્વારા યોગનો તમામ વિશ્વમાં ફેલાવો થયો છે. આજે રોગનિવારણ, સ્વાસ્થ્યની જાળવણી તથા વૃદ્ધિ માટે યોગ પ્રણાલી ઉપર સહુને દૃઢ વિશ્વાસ છે. સમસ્ત વિશ્વમાં લાખો લોકોને યોગાભ્યાસ દ્વારા લાભ થયો છે અને યોગ પ્રથા દિવસેને દિવસે વધુ ને વધુ ફાલતી ને સ્પંદિત થતી જાય છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ:-
તારીખ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્રની ૬૯મી સામાન્ય સભાને સંબોધન કરતી વેળાએ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે વિનંતી કરી.
માનનીય મોદીજી એ કહ્યું યોગ એક પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમુલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા, મનુષ્ય અને પ્રકૃતિ મધ્ય ની સંવાદિતાનું મૂળ રૂપ છે. એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દ્રષ્ટિકોણ છે. યોગ એ કસરત નહીં પરંતુ આપણામાં, વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકરૂપતા ની શોધ છે. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરી તથા ચેતના જાગૃત કરીને તે આપણને આબોહવાના પરિવર્તનોનો સામનો કરવામાં મદદરૂપ બની શકે છે.
Must Read : વિશ્વ જળ દિવસ
૧૧ ડિસેમ્બર ૨૦૧૪ ના રોજ ૧૯૩ સદસ્યો વાળી સંયુક્ત રાષ્ટ્રીય સંઘ સામાન્ય સભાએ આ દરખાસ્તને સર્વ સંમતિ દ્વારા ૧૭૭ અપૂર્વ સહપ્રયોજક દેશો સાથે મંજૂર કરી ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્થાપિત કરવા ઠરાવ કર્યો. તેના ઠરાવમાં સભાએ સ્વીકાર્યું કે યોગ આરોગ્ય અને સુખાકારી માટે સંકલિત અભિગમ પૂરો પાડે છે તથા વિશ્વ વસ્તી ના આરોગ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ ના લાભ વિશેની જાણકારી ના વિશાળ પ્રસરણની જરૂર છે. યોગ જીવનના તમામ પાસાઓ માં સંવાદિતા લાવે છે માટે જ રોગ નિવારણ, આરોગ્ય વર્ધન માટે તથા જીવનશૈલી સંબંધિત વિકૃતિઓ ના નિવારણ માં મદદરૂપ થાય છે.
યોગના અંગો:-
મહર્ષિ ૫તંજલિએ યોગસૂત્રમાં યોગના કુલ-૮(આઠ) અંગોનુ વર્ણન કર્યુ છે. (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન અને (૮) સમાધિ
આ આઠ અંગોને પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગો ચલનમાં છે – આસન, પ્રાણાયામ, અને ધ્યાન. શરૂઆતના પાંચ અંગોને ( (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર) બહિરંગ કહે છે અને છેલ્લા ત્રણ અંગોને ((૬) ધારણા (૭) ધ્યાન અને (૮) સમાધિ ) અંતરંગ કહે છે.
(૧) યમ :-
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહમચર્ય અને અ૫રિગ્રહ આ પાંચ ‘યમ’ છે.
(૨) નિયમ :-
શોચ, સંતોષ, ત૫, સ્વાઘ્યાય અને ઇશ્વરપ્રણિધાન આ પાંચ ‘નિયમ’ છે.
(૩) આસન :-
અષ્ટાંગ યોગનું ત્રીજુ અંગ આસન છે. આસન એ કોઇ વ્યાયામ ૫ઘ્ઘતિ કે કોઇ અંગ કસરત નથી. મહર્ષિ ૫તંજલિ આસનની વ્યાખ્યા સમાવતાં કહે છે કે, સ્થિરસુખમાસનમ અર્થાત શરીરને સ્થિર અને સુખપૂર્વક રાખવાની સ્થિતિ એટલે આસન. આસન એ શરીર અને મનની એવી સ્થિતિ છે જે શરીરને દ્રઢતા અને મનને સ્થિરતા આપી, તેમને આધ્યાત્મિક વિકાસ માટે તૈયાર કરે છે. આસનથી શરીરના અંગો, સ્થિર, નિરામય અને હળવા બને છે. આસન શરીરનો થાક દૂર કરી શરીર અને ઇન્દ્રિયોને સ્ફૂતિમાન અને પ્રફુલિત રાખે છે. આસનનો નિયમિત અભ્યાસ સમગ્ર શરીરને તંદુરસ્તી બક્ષે છે.
(૪) પ્રાણાયામ:-
પ્રાણાયામ એ યોગ નું ચોથું અંગ છે. પ્રાણ એટલે શ્વાસ, વાયુ, જીવનશક્તિ …. આયામ એટલે લંબાવવું, ખેંચવું, સંયમિત કરવું, નિયમન કરવું એટલે પ્રાણ નું નિયમન કરવું, પ્રાણનો નિરોધ કરવો તેનું નામ પ્રાણાયામ.
મહર્ષિ પતંજલિએ પ્રાણાયામ ની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે,
तस्मिन् सतिश्वासप्रश्वासयोर्गत विच्छेदः प्राणायामः
અર્થાત તેમાં (આસનમાં) સ્થિર થઈને શ્વાસ-પ્રશ્વાસ ની ગતિ માં વિચ્છેદ એટલે પ્રાણાયામ.
પ્રાણાયામ ના અભ્યાસ થી પ્રાણ ની શુદ્ધિ થાય છે, મનની ચંચળતા મટે છે, મન સ્થિર અને એકાગ્ર બને છે. જીવન નવી સ્ફૂર્તિ, નવી તાજગી અને નવા તરવરાટથી ભરાઈ જાય છે. આરોગ્યની જાળવણીનો લાભ મળે છે. સાધકની અંદર જે અજ્ઞાનનું આવરણ છે તે પ્રાણાયામથી દૂર થાય છે. જ્ઞાનની કળાએ ખીલે છે અને મન ધારણા આદિ અભ્યાસ માટે તૈયાર થાય છે.
(૫) પ્રત્યાહાર :-
યોગના પાંચમા અંગ પ્રત્યાહારની વ્યાખ્યા આપતા મહર્ષિ પતંજલિ સમજાવે છે કે બધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાંથી પાછી હટી ને ચિત્ત સ્વરૂપ આકાર ધારણ કરે અથવા અંતર્મુખ થાય તે પ્રત્યાહાર.
આપણી ઇન્દ્રિયો હંમેશા વિષયસન્મુખ જ હોય છે. ઇન્દ્રિયોનો આહાર મલિન હોય તો ચિત ભ્રષ્ટ થાય છે. જ્યાં સુધી સાધકનું ચિત બાહ્ય જગતના વિષયોમાં રમમાણ હોય છે ત્યાં સુધી તે આધ્યાત્મિક માર્ગ પ્રગતિ કરી શકતો નથી. જો સાધક પ્રત્યાહાર કરતાં શીખી જાય તો ધારણા, ધ્યાન આદિ અંતરંગ યોગની સાધના માટેનો માર્ગ સુગમ થઇ જાય છે. સાઘક પોતાની ઇન્દ્રિયો ૫ર પુરેપુરો કાબુ મેળવી લે છે. ઇન્દ્રિયોની ગુલામીમાંથી મુક્તિ મેળવી લે છે. અને જેણે પોતાની ઇન્દ્રિય અને મન જીતી લીધું તેણે આખું જગત જીતી લીધું એમ સમજવું.
(૬) ધારણા :-
અષ્ટાંગ યોગના છઠા અંગ ધારણા ની વ્યાખ્યા આપતા મહર્ષિ પતંજલિ કહે છે કે, देशबन्धश्चितस्य घारणा ।। અર્થાત ધારણા એટલે ચિત્તનું કોઈ એક નિશ્ચિત વિષય પર એકાગ્રતા
ધારણા અંતરંગ યોગ નું પ્રથમ સોપાન છે. ધારણામાં સાધક કોઈ એક વિષય પર મનને એકાગ્ર કરે છે અને પોતાના ઈષ્ટ વિષય પર પોતાના ચિત્તને સંયમિત કરે છે ત્યારે ધારણા સિદ્ધ થાય છે. એ વિષયમાં પોતાના ઇષ્ટદેવની કે ગુરુની મૂર્તિ, નાસાગ્ર, ભૂમધ્ય, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, અનાહત એ આદિક ચક્ર અથવા ઇષ્ટદેવનું મનોમય સ્વરૂ૫ પણ રાખી શકાય.
(૭) ધ્યાન :-
મહર્ષિ પતંજલિ ધ્યાનનો અર્થ સમજાવતાં કહે છે કે,
तत्र प्रत्येकतानता घ्यानम् ।।
અર્થાત ધારણ ના વિષયમાં ચિત્ત વૃત્તિઓ ની એકતાનતા એટલે ધ્યાન.
ઘારણા એકધારા અભ્યાસથી ચિત્તની વૃત્તિ જે પોતાના ઈષ્ટ વિષયમાં લાગી હોય તેમાં બરાબર જોડાઈ જાય અને પાણીના એકધારા પ્રવાહની પેઠે એકતાનતાથી વહેવા માંડે તેને ધ્યાન કહે છે. ધ્યાન એ ધારણાનું પરિપક્વ સ્વરૂપ છે.
(૮) સમાધિ :-
સમાધિ અષ્ટાંગ યોગનું આઠમું અંતિમ અંગ છે. ધ્યાનની સર્વોચ્ચ દશાએ સાધક સમાધિની અવસ્થા એ પહોંચે છે.
મહર્ષિ પતંજલિ સમાઘિ ની વ્યાખ્યા સમજાવતા કહે છે કે, तदुवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः ।।
ધ્યાન જ્યારે વધતા વધતા અત્યંત ગાઢ બની જાય છે ત્યારે ચિત્ત પોતાના ધ્યેય પદાર્થ માં ડૂબી જાય છે. પોતાના સ્વરૂપને તદ્દન ભૂલી જાય છે અને કેવળ ઘ્યેયની જ સત્તા બાકી રહે છે. એવી દશા ને સમાધિ કહેવામાં આવે છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય જ્યારે એક થઈ જાય ત્યારે એકતાની એ અવસ્થાને સમાધિ કહેવાય છે. આ અવસ્થામાં આત્માનું પરમાત્મા સાથે મિલન થાય છે.
આ ૫ણ વાંચો:-
- વસંતઋતુ વિશે નિબંધ
- જળ એ જ જીવન નિબંધ
- પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
- સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ
- જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
હુ આશા રાખુ છું કે તમને અમારો યોગ એટલે શું ? આ લેખ ખુબ જ ગમ્યો હશે. આજના આ લેખમાં આ૫ણે યોગ એટલે શું ?, યોગ નો ઇતિહાસ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, યોગના અંગો વિગેરે વિશે માહિતી મેળવી. જેના તમને યોગ પ્રત્યે લગાવ થશે. તેમજ વિદ્યાર્થી મિત્રોને આ લેખ યોગ વિશે નિબંધ લેખન માટે ખુબ જ ઉ૫યોગી નિવડશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભૂલશો નહીં. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પૂરું પાડે છે.
its worth it to read and when i am translating zen i want use your information with your reference in my essay.