Advertisements

દિવાળી વિશે નિબંધ, માહિતી, મહત્વ | Diwali in Gujarati 2024

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now
Advertisements

હિંદુ ધર્મના તમામ તહેવારોમાં દિવાળીનો તહેવાર સૌથી મોટો ગણાય છે. હિન્દુ ઘર્મનો દરેક વ્યકિત દિવાળી વિશે બાળ૫ણથી જ જાણતો  હશે. પાંચ દિવસ સુધી ચાલતો આ તહેવાર છે. આસો માસનો અંત અને કારતક માસની શરૂઆત એ આ તહેવારો છે. 

કેટલાંક વિસ્તારોમાં દિવાળીનો તહેવાર આસો વદ એકાદશીથી લઈને કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ સુધીનો ગણાય છે, તો કેટલાંક વિસ્તારોમાં ધનતેરસથી બેસતું વર્ષ આવે ત્યાં સુધી દિવાળી ગણાય છે. ગમે તે હોય પણ આખા દેશમાં આ તહેવાર સાર્વજનિક તહેવાર તરીકે ધામધૂમથી ઉજવાય છે. 

દરેક ધર્મ અને પ્રાંત પ્રમાણે દિવાળીની ઉજવણી સાથે જુદી જુદી ઘટનાઓ જોડાયેલી છે. આજે આપણે દિવાળીની સાથે સાથે એની ઉજવણી કઈ જગ્યાએ શા માટે કરવામાં આવે છે તે પણ જોઈશું.

ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષનાં વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. સમય જતાં આ શબ્દ ભારતમાં દિવાળી અને નેપાળમાં દિપાવલીમાં ફેરવાઈ ગયો, પરંતુ આજે પણ ભારતની દક્ષિણ અને પૂર્વની ભાષાઓમાં હજુ પણ આ શબ્દ તેના મૂળસ્વરૂપે જળવાયો છે.

2023માં દિવાળી ક્યારે છે

આ૫ સૌને 2023 માં દિવાળી કેદી છે એ જાણવાની તાલાવેલી હશેે. દિવાળીનો તહેવાર આસો વદ એકાદશીથી લઈને કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ સુધીનો ગણાય છે. વર્ષ 2023 માં દિવાળીનો તહેવાર આસો વદ અમાવસ તા.12 નવેમ્બર 2023ના રોજ આવે છે. હવે આ૫ણે વિવિઘ ધર્મોમાં દિવાળી વિશે જાણીએે.

વિવિધ ધર્મોમાં દિવાળી વિશે:-

ભારતમાં માત્ર હિંદુઓ જ નહીં અન્ય ધર્મોનાં લોકો પણ દિવાળી મનાવે છે અને તેમનો દરેકનો એની પાછળ એક અલગ જ ઈતિહાસ છે. આજે જણાવીશ એ બાબતો. 

જૈન ધર્મમાં દિવાળી:-

ઈ. સ. પૂર્વે 527માં દિવાળીના દિવસે જ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા હતા. તેનાં પ્રતિક રૂપે તેઓ દિવાળી દેરાસરમાં જઈને મનાવે છે. 

શીખ ધર્મમાં દિવાળી:-

છઠ્ઠા શીખ ગુરુ હર ગોબિંદજી(ઈ. સ. 1595 થી ઈ. સ. 1644માં થઈ ગયા)ને બાદશાહ જહાંગીરે અન્ય 56 હિંદુ રાજાઓની સાથે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવ્યા હતા. તેમને જ્યારે મુક્ત કરવામાં આવ્યા ત્યારે દિવાળી જ હતી. કેદમાંથી મુક્ત થયા અને તેઓ પંજાબ પાછા ફર્યા ત્યારથી તેમની યાદમાં શીખ ધર્મમાં અમૃતસર શહેરને ઝગમગાવવામાં આવે છે અને દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. 

અન્ય કેદીઓને મુક્ત કર્યા બાદ તેઓ પવિત્ર શહેર અમૃતસરમાં આવેલ દરબાર સાહિબ એટલે કે વિશ્વવિખ્યાત સુવર્ણ મંદિરમાં ગયા હતા અને ત્યાં લોકોએ મીણબત્તીઓ અને દીવડાઓ પ્રગટાવીને ગુરુને ઉમળકાભેર આવકાર આપ્યો હતો. આ કારણથી શીખો દિવાળીને બંદી છોડ દિવસ એટલે કે “કેદમાં પુરાયેલા લોકોની આઝાદીનો દિવસ” પણ કહે છે. 

બૌદ્ધ ધર્મમાં દિવાળી:-

હિંદુઓની બહુમતી ધરાવતા દેશ નેપાળમાં બૌદ્ધ ધર્મ પાળવામાં આવે છે. ત્યાંના બૌદ્ધધર્મીઓમાંથી નેવાર બૌદ્ધધર્મીઓ દિવાળીનો તહેવાર ઉજવે છે. ભારત અને નેપાળમાં હવે દિવાળીને રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે. ધર્મ-સંપ્રદાયના ભેદભાવ વગર નેપાળ અને ભારતના મોટાભાગના લોકો આ તહેવારને ઉજવે છે.

હિંદુ પંચાંગની વિવિધતા:-

હિંદુ પંચાંગની અમંતા  એટલે કે નવા ચંદ્રનો અંત  આવૃત્તિનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારત, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રચલિત આ પંચાંગ મુજબ આસો માસનાં છેલ્લા ચાર દિવસ અને કારતક મહિનાના શરૂઆતના બે દિવસો, આમ કુલ છ દિવસ સુધી તહેવાર ઉજવવામાં આવે છે. 

જ્યારે ઉત્તર ભારતમાં પ્રચલિત પૂર્ણિમાંતા  એટલે કે “પૂર્ણ ચંદ્રનો અંત” આવૃત્તિ મુજબ તે આસો મહિનાની મધ્યમાં આવે છે. ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ તે સામાન્ય રીતે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં આવે છે. 

નેપાળમાં નેપાળી પંચાંગ મુજબ તેની ઉજવણી કરાય છે. આ તહેવાર નેપાળી વર્ષના છેલ્લા ત્રણ દિવસો અને પ્રથમ બે દિવસ દર્શાવે છે.

દિવાળીનો અર્થ:-

દિપાવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા. સંસ્કૃતમાં દિપ એટલે કે દીવડો અને આવલી એટલે કે હારમાળા. ઘણી આધુનિક ભાષાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળીના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે.

માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. ભારતનાં કેટલાંક પ્રદેશો અને વિદેશમાં ઉજવાતી દિવાળી વિશે જોઈએ.

યુનાઈટેડ કિંગડમ, નેધરલેંડ, ન્યૂઝીલેન્ડ, સુરીનામ, કેનેડા, ગુયાના, કેન્યા, મોરિશિયસ, ફિજી, જાપાન, ઈન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, સિંગાપોર, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ટાન્ઝાનિયા, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, જમૈકા, થાઈલેન્ડ, યુનાઈટેડ આરબ અમિરાત, ઓસ્ટ્રેલિયા જેવા દેશો, આફ્રિકાના ઘણા વિસ્તારોમાં, અને યુનાઈટેડ સ્ટેટ્સ સહિત અનેક દેશોમાં ઉજવણી થાય છે.

કેટલાક દેશોમાં મુખ્યત્વે ભારતીય મૂળના વ્યક્તિઓ દ્વારા તેની ઉજવણી થતી હોવા છતાં અન્ય લોકોમાં પણ તે સામાન્ય સ્થાનિક સંસ્કૃતિનો ભાગ બની ગયું છે. 

ટ્રિનિદાદ એન્ડ ટોબેગો:-

ટ્રિનિદાદ એન્ડ ટોબેગોમાં તમામ ટાપુઓના સમુદાયો એકત્ર થાય છે અને આ તહેવાર ઉજવે છે. ત્યાંનાં લોકો પૂર્વ ભારતીય સંસ્કૃતિમાં માને છે. મંચ પર કાર્યક્રમો આપે છે, લોક નાટ્યમાં લઘુનાટિકા અને નાટકો, હિન્દુ ધર્મના કોઈ પાસા પર પ્રદર્શન, હિંદુ ધર્મના વિવિધ વિભાગો અને સામાજિક સંગઠનો દ્વારા ઝાંખીઓ યોજાય છે અને રાત્રે દેવી લક્ષ્મીની પૂજા થાય છે, દીવા પ્રગટાવવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિની વિવિધ પાઠશાળાઓ કલા રજૂ કરે છે. ભારતીય તથા બિન-ભારતીય શાકાહારી વાનગીઓનું ખાણી-પીણી બજાર ભરાય છે. આ દિવસોમાં તેઓ દારૂ તથા માંસાહારનો ત્યાગ કરે છે. ઉત્સવમાં દીવાળીના ફટાકડાઓની ભવ્ય આતશબાજી થાય છે. 

નેપાળ:-

નેપાળમાં દિવાળીને “તિહાર” અથવા “સ્વાન્તિ” તરીકે ઓળખાય છે. પ્રથમ દિવસને કાગ તિહાર કહેવાય છે. આ દિવસે કાગડાઓને દૈવી દૂત ગણીને ભોગ ધરાવવામાં આવે છે. બીજા દિવસને કૂકૂર તિહાર કહેવાય છે. આ દિવસે વફાદારી માટે કૂતરાઓની પૂજા કરાય છે. ત્રીજા દિવસે લક્ષ્મી પૂજા થાય છે અને ગાયનું પૂજન કરાય છે.

નેપાળ સંવત મુજબ આ છેલ્લો દિવસ હોવાથી ઘણા વેપારીઓ આ દિવસે તેમના હિસાબો ચોખ્ખા કરીને બંધ કરે છે અને લક્ષ્મીમાતાની પૂજા કરે છે. ચોથો દિવસ નવા વર્ષ તરીકે ઉજવાય છે. આ દિવસે સાંસ્કૃતિક સરઘસો અને અન્ય ઉજવણીઓનું આયોજન થાય છે. નેવારો આને “મ્હા પૂજા” તરીકે ઉજવે છે અને આ દિવસે આગામી વર્ષ માટે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની વિશેષ વિધિમાં શરીરની પૂજા કરે છે. “ભાઈ ટિકા” તરીકે ઓળખાતા પાંચમા અને છેલ્લા દિવસે ભાઈઓ અને બહેનો મળે છે તથા ભેટની આપ-લે કરે છે.

મલેશિયા:-

મલેશિયામાં દિવાળીને “હરી દીપાવલી” તરીકે ઓળખવામાં આવે છે. હિંદુ સૂર્ય પંચાંગના સાતમા મહિના દરમિયાન તેની ઉજવણી થાય છે. સમગ્ર મલેશિયામાં સરકાર દ્વારા જાહેર રજા હોય છે. ભારતીય ઉપખંડમાં પળાતી પરંપરાને તે ઘણી રીતે મળતી આવે છે. ‘ખુલ્લા આવાસ’ યોજાય છે, જ્યાં હિંદુ મલેશિયનો વિવિધ જાતિ અને ધર્મના સભ્યોને આવકારે છે અને સમૂહભોજન લે છે. ‘ખુલ્લા આવાસ’ને ત્યાંની ભાષામાં ‘રુમાહ તેર્બુકા’ કહેવાય છે.

સિંગાપોર:-

સિંગાપોરમાં આ તહેવાર “દીપાવલી” કહેવાય છે અને તેમાં સરકારી આજ્ઞાપત્ર મુજબની જાહેર રજા હોય છે. ત્યાં રહેતો ભારતીય સમુદાય આ તહેવાર ઉજવે છે. લિટલ ઈન્ડિયા જિલ્લામાં થતી રોશની તેની લાક્ષણિકતા છે.  સિંગાપોરનું હિન્દુ એન્ડોમેન્ટ બોર્ડ ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરે છે.

શ્રીલંકા:-

શ્રીલંકામાં આ તહેવાર “દીપાવલી” પણ કહેવાય છે અને તમિલ સમુદાયના લોકો તેની ઉજવણી કરે છે. આ દિવસે નવા વસ્ત્રો પહેરવાની અને ભેટોની આપ-લે કરવાની પરંપરા છે.

બ્રિટન:-

બ્રિટનમાં હિંદુઓ અને શીખો ભારે ઉત્સાહથી દિવાળી ઉજવે છે અને મોટાભાગે તેમની ઉજવણી ભારત જેવી જ હોય છે. લોકો સફાઈ કરીને તેમના ઘરને દીવા અને મીણબત્તીથી શણગારે છે. દીવા એ આ શુભદિવસના પ્રતિક રૂપે લોકપ્રિય બનેલી મીણબત્તી છે. લોકો એકબીજાને  લાડુ અને બરફી જેવી મિઠાઈ આપે છે. બ્રિટનમાં દિવાળી જાણીતો તહેવાર બની રહ્યો છે. એની ઉજવણીમાં બિન-ભારતીયો પણ જોડાય છે. ભારતની બહાર થતી કેટલીક સૌથી મોટી ઉજવણીઓમાં લેસેસ્ટર યજમાનની ભૂમિકા ભજવે છે.

ન્યુઝીલેન્ડ:-

ન્યુઝિલેન્ડમાં દક્ષિણ એશિયન સમાજના ઘણા જૂથો જાહેરમાં દિવાળીની ઉજવણી કરે છે. મુખ્ય જાહેર તહેવારો ઓકલેન્ડ અને વેલિંગ્ટનમાં થાય છે. ન્યુઝિલેન્ડની સંસદમાં ઈ. સ. 2003થી અધિકૃત સત્કાર સમારંભ યોજાઈ રહ્યો છે. 

ઓસ્ટ્રેલિયા:-

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકો અને સ્થાનિક ઓસ્ટ્રેલિયનો મેલબોર્નમાં દિવાળીની જાહેરમાં ઉજવણી કરે છે. 21મી જુલાઈ 2002ના રોજ મેલબોર્નમાં ભારતીય તહેવારો ઉજવવા સ્વતંત્ર સંગઠનોના સમૂહ અને વ્યક્તિઓને એકઠા કરીને એક સંસ્થા “ધી ઓસ્ટ્રેલિયન ઈન્ડિયન ઈનોવેશન્સ ઈનકોર્પોરેટેડ”(AIII)ની સ્થાપના કરવામાં આવી હતી. ભારતના સાંસ્કૃતિક અરીસાનું ચિત્ર સમજવા માટે AIII સુવિધા આપે છે અને મેલબોર્નમાં રહેતા ભારતીયો ભારતીય કળા, સંસ્કૃતિ, પદ્ધતિ, પરંપરા અને વાનગીઓનું પ્રદર્શન કરી શકે તે માટે સેમિનાર, ઉજવણીઓ, મેળા અને કાર્યક્રમોનું આયોજન કરે છે. પ્રથમ પ્રારંભિક દિવાળી ઉત્સવ-2002 રવિવાર 13 ઓક્ટોબર 2002ના રોજ સેન્ડાઉન રેસકોર્સ ખાતે યોજાયો હતો.

ફટાકડા:-

દુનિયાનાં ગમે તે ખૂણે દિવાળી ઉજવાય, એનું મુખ્ય આકર્ષણ તો ફટાકડા જ છે! નાનાં મોટાં સૌ કોઈ ફટાકડાથી આકર્ષાય છે. તેમાંય આતશબાજીની મજા તો કંઈ ઓર જ છે! ફોડનાર જેટલો આનંદ અનુભવે છે એનાથી અનેકગણો વધુ આનંદ આતશબાજી જોનારને આવે છે. ચકરડી, કોઠી, ફૂલઝડી, તારામંડળ, રોકેટ અને બીજાં ભાતભાતના ફટાકડાઓ બાળકોનું મન મોહી લે છે. 

પરંતુ પર્યાવરણને હાલમાં જે નુકસાન થઈ રહ્યું છે એ જોતાં એવું લાગે છે કે ફટાકડાનો વપરાશ થોડો ઓછો થવો જોઈએ. મોડી રાત સુધી ફટાકડા ફોડવાથી પક્ષીઓને પણ ઘણું નુકસાન થાય છે. વધુ અવાજથી તેમની દિનચર્યા ખોરવાઈ જાય છે. ક્યારેક ફટાકડા ફોડતી વખતે ધ્યાન ન રાખવામાં આવે તો ગંભીર અકસ્માત થઈ શકે છે. બાળકો જ્યારે ફટાકડા ફોડતાં હોય છે ત્યારે એમની સાથે એક વડીલ વ્યક્તિ સાથે રહે એ ઉચિત છે.

આમ, દિવાળી કે દીપાવલી એ ખુશી, ઉમંગ, ઉત્સાહ અને સમર્પણનો તહેવાર તો છે જ, પણ જો સાથે સાથે થોડું ધ્યાન રાખીએ તો એની સારી રીતે મજા પણ માણી શકીએ. આશા રાખુ છું આ૫ને દિવાળી વિશે કંઇક નવુ જાણવા મળ્યુ હશે.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

આ ૫ણ વાંચો:- 

  1. કાળી ચૌદસની પૂજા
  2. જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ
  3. ધન તેરસનું મહત્વ
  4. નવરાત્રી નું મહત્વ
  5. વસંત પંચમી નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો દિવાળી વિશે નિબંધ અથવા દિવાળી નું મહત્વ (diwali essay in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. આ લેખમાં આ૫ણે દિવાળી નો ઇતિહાસ, ધાર્મિક મહત્વ, વિવિધ દેશોમાં દિવાળી વિશે માહિતી મેળવી. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “દિવાળી વિશે નિબંધ, માહિતી, મહત્વ | Diwali in Gujarati 2024”

Leave a Comment